શાળાનો ઇતિહાસ
મોડાસા કેળવણી મંડળ ની સ્થાપના થઇ ત્યારે આઝાદીની લડત ચાલી રહી હતી તે સમયે મોડાસા માં પણ આઝાદીની ચહલપહલ હતી, તેનું કારણ મથુરદાસ ગાંધી.
આ સમયે મોડાસામાં કોઈ શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે એન્ગલો વર્નાક્યુલર શાળાનો વહીવટ ૧૯૧૯ માં મથુરદાસ ગાંધી અને મોહનલાલ ગાંધી એ સંભાળ્યો. અને સંકલ્પ કરી વિકાસ ની યોજના બનાવી, ત્યારેજ એન્ગલો વર્નાક્યુલર શાળાનો વહીવટનો ઠરાવ પાસ કરી તેનું નામ મોડાસા કેળવણી મંડળ રાખવામાં આવ્યું.બસ ત્યારથીજ આ સંસ્થા નો પાયો નંખાયો. તે સમયે ૪ શિક્ષકો અને ૮૨ વિદ્યાર્થીઓ આ સંસ્થાના ભાગ હતા.
શાળાનો વિકાસ
અનેક અગવડો અને અડચણો વચ્ચે પણ ઉત્તરોત્તર શાળાનો વિકાસ થતો ગયો. જો કે શરૂઆતમાં આ વિસ્તારની સામાન્ય પ્રજામાં શિક્ષણની ભુખ અને જંખના જોઈએ તેવી ન હતી, સને ૧૯૨૧-૨૨ માં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૩૯ થઇ અને ૧૨ અધ્યાપકો શિક્ષણ કાર્ય કરતા હતા વિદ્યાર્થી ભવન પણ ઉભું કરવામાં આવ્યું જેમાં ગૃહપતિ તરીકે શાળાના ચિત્રકલા અને વ્યાયામના શિક્ષક શ્રી પ્રેમજીભાઈ આડેસરા રહ્યા. સને ૧૯૨૦ થી સરકારી ગ્રાન્ટ બંધ કરી સ્વતંત્ર સ્કુલ તરીકે આ શાળાને વિનય મંદિર નામ આપવામાં આવ્યું હતું.
પાયાની નિમણુંક
સને ૧૯૨૫ માં મંડળના પ્રમુખ શ્રી મોહનલાલ વિ ગાંધી એ સ્વયંસેવક તરીકેની ઈચ્છા દર્શાવતા તેમની જગ્યાએ શ્રી ભોગીલાલ દામોદરદાસ વકીલની પ્રમુખ તરીકે અને શ્રી શંકરલાલ બુટલા ની ઉપપ્રમુખ તરીકે નિમણુંક થઇ પછી ઉપપ્રમુખ તરીકે ચુનીલાલ ગાંધી નીમાયા. અને ૧૯૨૭ માં મંડળ ના પ્રમુખ તરીકે શ્રીયુત સુમંત મહેતા અને ઉપપ્રમુખ તરીકે શ્રી મથુરદાદા સર્વાનુમતે રહ્યા સને ૧૯૩૧-૩૨ ના વર્ષ થી શ્રી મથુરદાસ ગાંધીએ પ્રમુખ તરીકે ધુરા સાંભળી. સને ૧૯૩૨-૩૩ ના વર્ષમાં મંડળના ટ્રસ્ટી અને હેડમાસ્તર તરીકે શ્રી મોહનલાલ વિ ગાંધી એ સુકાન સંભાળ્યું.
આમ મોડાસા કેળવણી મંડળની ઉત્તરોત્તર સંસ્થાઓ વધતી ગઈ, રાત્રીશાળા, વનીતા વિશ્રામ, વિદ્યાર્થી ભુવન, કસરત શાળા, રેંટિયા વર્ગો વગેરેનું સંચાલન થતું રહ્યું. સને ૧૯૩૯ માં શ્રી છોટાલાલ બુટાલાએ પોતાના સ્વર્ગસ્ત ધર્મપત્ની ધનલક્ષ્મીના સ્મરણાર્થે હાઇસ્કૂલ ને એક વાંચનાલય અને લાઈબ્રેરી બંધાવી આપ્યા ને આમ હાઇસ્કૂલ ની એક મોટી જરૂરિયાત પૂરીપાડી અને શ્રી મોહનભાઈ ગાંધી એ પોતે તેમાં ગણ પુસ્તકો ભેટ આપી લાઈબ્રેરી સમૃદ્ધ બનાવી.
સને ૧૯૪૩-૪૪ માં શાળામાં ૨૬૫ વિદ્યાર્થીઓ અને ૧૫ અધ્યાપકો હતા તે ૪૪-૪૫ ના વર્ષમાં સંખ્યા વધીને ૩૧૭ વિદ્યાર્થીઓ અને ૧૭ અધ્યાપકોની થઇ. સને ૧૯૫૦ માં શાળાના ટ્રસ્ટી તરીકે શ્રી હરીલાલ મથુરદાસ ગાંધી જોડાયા. અને ૧૯૫૪ માં કેળવણી મંડળના પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી અને શ્રી હરીલાલ દેસાઈએ સેક્રેટરી પદ સંભાળ્યું.
ઉતરોત્તર પ્રગતિ
પ્રગતિ ના પંથે મોડાસા હાઇસ્કૂલ ની સંખ્યા સારી એવી વધી ગયેલી.સને ૧૯૬૫ માં વહીવટી કાર્યદક્ષતા તેમજ શિસ્ત અને શિક્ષણમાં ઉચ્ચતા જળવાઈ રહે તે હેતુથી અને મોડાસા હાઇસ્કૂલ ની ઉત્તરોતર વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇ મોડાસા કેળવણી મંડળે પોતાના કમ્પાઉન્ડમાંજ સર્વોદય હાઇસ્કૂલ ના નામે બીજી એક શાળાની શરૂઆત કરી. વધતીજતી સંખ્યા, વધતા જતા વર્ગો અને વધતી જરૂરિયાતોને લીધે આર્થિક અગવડો પણ આવતી ગઈ. પરંતુ તેનું નિરાકરણ કરવામાં મંડળ ના કુશળ હોદ્દેદારો સતત જાગ્રત રહ્યા છે. શ્રી હરીલાલ ગાંધી અને શ્રી હીરાલાલ દેસાઈ નું નેતૃત્વ અને તેમની દિશાસુજથી બંને હાઇસ્કૂલે પોતપોતાની રીતે સતત વિકાસ કર્યો. ત્યારપછી મંડળના હોદ્દેદારોમાં ગુજરાતના સુપ્રસિદ્ધ બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીએ વર્ષો સુધી તેમજ શ્રી મુળજીદાસ ગી. શાહે પણ વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે મંડળને સાથ સહકાર અને માર્ગદર્શન આપ્યું છે. |